spot_img

જામનગરનું ગૌરવ: IMA ના શતાબ્દી વર્ષની ઐતિહાસિક ઉજવણીમાં વરિષ્ઠ ફિઝિશિયન ડૉ. મનીષ મહેતાને રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા

શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે દર્દીઓની નિઃસ્વાર્થ સેવા બદલ ‘ડૉ. જેઠાલાલ એમ. પટેલ બેસ્ટ સિનિયર ફિઝિશિયન’ એવોર્ડ એનાયત

અમદાવાદના આંગણે તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ગૌરવવંતા ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય ‘IMA NATCON 2025’ નેશનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહી હતી. ગત ૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ મહાકુંભમાં દેશભરના તબીબી જગતના દિગ્ગજો એકત્ર થયા હતા, જ્યાં તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા રત્નોને પોંખવામાં આવ્યા હતા. આ ઝળહળતા સમારોહમાં જામનગર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરતા ડૉ. મનીષ એન. મહેતાને તેમના અવિરત સેવા યજ્ઞ બદલ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માત્ર એક કોન્ફરન્સ ન રહેતા, તબીબી જગતના સેવાભાવી યોદ્ધાઓના સન્માનનો એક ઉત્સવ બની રહ્યો હતો.જામનગરની જી.જી. હોસ્પિટલ જેવી મોટી સરકારી સંસ્થામાં મેડિસિન વિભાગના વડા તરીકેની જટિલ અને વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાનો ભેખ ધારણ કરનાર ડૉ. મનીષ મહેતાને રાજ્યકક્ષાના અત્યંત પ્રતિષ્ઠિત ‘ડૉ. જેઠાલાલ એમ. પટેલ એવોર્ડ’ (Dr. Jethalal M. Patel Best Senior Physician Doing Social For Community Services In Urban and Rural Areas in Gujarat State – Individual) થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ માત્ર એક પ્રશસ્તિપત્ર નથી, પરંતુ ડૉ. મહેતા દ્વારા વર્ષોથી ગુજરાતના શહેરી અને છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવેલી નિઃસ્વાર્થ તબીબી સેવાની કદર છે. રાજ્યના શ્રેષ્ઠ સિનિયર ફિઝિશિયન તરીકેની તેમની પસંદગી એ સાબિત કરે છે કે તેમણે માત્ર હોસ્પિટલની ચાર દીવાલો વચ્ચે સીમિત ન રહેતા, સમુદાયના સ્વાસ્થ્ય ઉત્થાન માટે જે વ્યક્તિગત ધોરણે પ્રયાસો કર્યા છે, તેની નોંધ સમગ્ર મેડિકલ ફ્રેટરનીટીએ લીધી છે.

આ સન્માન જામનગરના સમગ્ર તબીબી આલમ અને ખાસ કરીને એમ.પી. શાહ મેડિકલ કોલેજ માટે ગર્વનો વિષય બન્યો છે, કારણ કે ડૉ. મનીષ મહેતાએ શિક્ષણ અને સારવાર બંને ક્ષેત્રે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. દર્દીને માત્ર એક કેસ તરીકે જોવાને બદલે ‘દર્દીનારાયણ’ માનીને સેવા કરવાની તેમની ભાવના અને મેડિકલના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં તેમનું યોગદાન અનુપમ રહ્યું છે. IMA ના આ શતાબ્દી મહોત્સવમાં જ્યારે ગુજરાતના નામાંકિત તબીબોની ઉપસ્થિતિ હતી, ત્યારે જામનગરના આ લોકલાડીલા તબીબનું બહુમાન થવું એ દર્શાવે છે કે સાચી નિષ્ઠા અને સેવાભાવનાની સુગંધ છેવટે ચોક્કસ પ્રસરે છે. ડૉ. મનીષ મહેતાને મળેલું આ સન્માન આવનારી પેઢીના યુવા ડોક્ટરો માટે પણ એક પ્રેરણારૂપ બની રહેશે કે પ્રોફેશનલ કેરિયરની સાથે સામાજિક જવાબદારીનું વહન કેવી રીતે કરી શકાય.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles