spot_img

જામનગરની ‘બ્રાસ સિટી’નું અસ્તિત્વ જોખમમાં: LME અને MCX પર ચાલતા સટ્ટા બજારના 99.99% શુદ્ધ કોપર સામે પીતળના ‘ભંગાર’ના ભાવની મૂર્ખામીભરી સરખામણીનુ કયું ગણિત..?

બોગસ B2B ના સટ્ટામાં હોમાતા ૮૦% નાના કારખાનેદારો – નેતૃત્વની નાલાયકી કે સુનિયોજિત કાવતરું?

જો આ ‘B2B’ ચેનલો ખરેખર MCX / LME જેવા આંતરરાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જને જ અનુસરતી હોય, તો પછી બ્રાસ મેટલને (ખાસ કરીને IS-319 ગ્રેડને) આ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સત્તાવાર રીતે લિસ્ટેડ કરી દેવામાં ઉદ્યોગના સતાધીશોને વાંધો શું છે? શા માટે તેઓ પારદર્શક પ્લેટફોર્મને બદલે ટેલિગ્રામની અંધારી આલમ પસંદ કરે છે?

શું એસોસિએશનના નેતાઓ અજાણ છે કે પછી ભ્રષ્ટાચારમાં ભાગીદાર?

કોપરમાં પણ સોના-ચાંદી જેવી મોટી ઉથલપાથલના એંધાણ વચ્ચે,‘હેજિંગ’ની અવગણના

વિશેષ અહેવાલ: દિપક ઠુમ્મર
વિશ્વના નકશા પર ‘બ્રાસ સિટી’ તરીકે ગૌરવવંતુ સ્થાન ધરાવતું અને ચીન પછી બીજા ક્રમે આવતું જામનગરનું બ્રાસ ક્લસ્ટર અત્યારે ઈતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. શહેરની જીવાદોરી સમાન આ ઉદ્યોગમાં જીઆઈડીસીમાં ધમધમતા હજારો નાના કારખાનાઓના અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે. હાલની વિકટ પરિસ્થિતિ એ છે કે પીતળના ભંગારના બજારમાં આવતા રોજિંદા અને અણધાર્યા ઉતાર-ચઢાવને કારણે નાના કારખાનેદારોના જીવ તાળવે ચોંટ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, લગભગ ૮૦ ટકા જેટલા નાના ઉદ્યોગકારો પાયમાલ થઈ ચૂક્યા છે અથવા દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે, જ્યારે બીજી તરફ ઉદ્યોગનું નેતૃત્વ કરનારા અમુક ‘પ્રમુખો’ અને મોટા માથાઓ ટેલિગ્રામ પર બોગસ ‘B2B’ ચેનલના સટ્ટામાં મશગૂલ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

બ્રાસ ઉદ્યોગમાં હાલ જે રીતે ભંગારના ભાવ નક્કી થઈ રહ્યા છે, તે પ્રક્રિયા સંપૂર્ણપણે મનસ્વી અને શંકાસ્પદ જણાઈ રહી છે. જામનગરના આ ઉદ્યોગમાં રોજિંદી ભંગારની જરૂરિયાત કરોડો રૂપિયાની હોય છે. આવા સમયે ભાવમાં થતો નાનો અમથો ફેરફાર પણ દિવસના અંતે કરોડો રૂપિયાનો ‘ખેલ’ બની જાય છે. સામાન્ય કારખાનેદાર પોતાની પ્રોડક્શન કોસ્ટ અને માર્જિનની ગણતરી કરે ત્યાં સુધીમાં તો કાચા માલના (ભંગારના) ભાવમાં કૃત્રિમ રીતે એટલો મોટો ઉછાળો કે ઘટાડો કરી દેવામાં આવે છે કે ગણતરીઓ ઊંધી વળી જાય છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ કોઈ ચોક્કસ લોજિક નહીં, પરંતુ સટ્ટાખોરી જવાબદાર હોવાનું સ્પષ્ટ દેખાય છે.

સૌથી મોટો અને પાયાનો પ્રશ્ન એ છે કે કોપર (તાંબા)ના આંતરરાષ્ટ્રીય ભાવ કે સટ્ટાને બેઝ બનાવીને બ્રાસ (પીતળ)માં આવો ખેલ શા માટે રમવામાં આવે છે? અહીં એક વિરોધાભાસ સ્પષ્ટ થાય છે. સત્યનો સાથ આપીને જો તટસ્થ રીતે વિચારીએ તો, એસોસિએશન અને મોટા વેપારીઓ એવો દાવો કરે છે કે તેઓ ભંગારના ભાવ નક્કી કરવા માટે લંડનની LME અને ભારતમાં સેબી (SEBI) માં રજીસ્ટ્રેડ થયેલી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ને ફોલો કરે છે. જો આ ‘B2B’ ચેનલો ખરેખર આંતરરાષ્ટ્રીય એક્સચેન્જને જ અનુસરતી હોય, તો પછી બ્રાસ મેટલને (ખાસ કરીને IS-319 ગ્રેડને) આ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સત્તાવાર રીતે લિસ્ટેડ કરી દેવામાં ઉદ્યોગના સતાધીશોને વાંધો શું છે? શા માટે તેઓ પારદર્શક પ્લેટફોર્મને બદલે ટેલિગ્રામની અંધારી આલમ પસંદ કરે છે?

જો બ્રાસ ઉદ્યોગના હોદ્દેદારો ખરેખર નાના કારખાનેદારોનું હિત ઇચ્છતા હોય, તો તેમણે તાત્કાલિક બ્રાસને MCX પર લિસ્ટિંગ કરાવવા માટે પ્રયાસો કરવા જોઈએ. કારણ કે MCX પર લિસ્ટિંગ થવાથી ઉદ્યોગકારોને ‘હેજિંગ’ (Hedging) નો લાભ મળી શકે છે. હેજિંગ એ એક પ્રકારનું સુરક્ષા કવચ છે જે ભાવના ઉતાર-ચઢાવ સામે રક્ષણ પૂરું પાડે છે. જો ભાવ વધે કે ઘટે, હેજિંગ મારફતે વેપારી પોતાના નફાને લોક (Lock) કરી શકે છે અને સટ્ટાની ચિંતા કર્યા વગર પોતાના ઉત્પાદન પર ધ્યાન આપી શકે છે. પરંતુ પ્રસ્થાપિત હિતો કદાચ આ પારદર્શિતા અને સુરક્ષા ઈચ્છતા નથી.

વર્તમાન સમયમાં જામનગરમાં ‘એસોસિએશન’ના નેજા હેઠળ ચાલતી કેટલીક ટેલિગ્રામ ચેનલોએ આતંક મચાવ્યો છે. આ ચેનલો મારફતે ‘બ્રાસ બીટુબી’ ના નામે ભંગારના ભાવમાં બેફામ સટ્ટાખોરી આચરવામાં આવે છે. આ કોઈ વાસ્તવિક વ્યાપાર નથી પરંતુ આંકડાઓની માયાજાળ છે, જેમાં કરોડો રૂપિયાની ચાલાકી કરવામાં આવે છે. જ્યારે ભાવ વધારવો હોય ત્યારે કૃત્રિમ અછત અને જ્યારે ભાવ તોડવો હોય ત્યારે પેનિક સેલિંગના મેસેજ વહેતા કરીને નાના વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે. આ બોગસ પ્લેટફોર્મ પર કોઈ નિયમન નથી, માત્ર ને માત્ર સટ્ટાખોરોનું વર્ચસ્વ છે.

ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો, લંડન મેટલ એક્સચેન્જ (LME) અને સ્થાનિક કોપરના ભાવ જોઈને તેની સીધી સરખામણી પીતળના ભંગાર સાથે કરવી એ નિરપેક્ષ મૂર્ખતા છે. LME પર જે ટ્રેડિંગ થાય છે તે વાયદા બજાર છે અને ત્યાં સોદાઓનું સેટલમેન્ટ અલગ રીતે થાય છે. પરંતુ સૌથી મહત્વની વાત ક્વોલિટીની છે. LME પર માત્ર “Grade A Copper” નું જ ટ્રેડિંગ થાય છે. આ કોપર પ્લેટોના સ્વરૂપમાં હોય છે, જેને ટેકનિકલ ભાષામાં “કેથોડ” (Cathodes) કહેવાય છે.

LME પર ટ્રેડ થતા આ કેથોડ કોપરની શુદ્ધતા (Purity) ઓછામાં ઓછી ૯૯.૯૯૩૫% (99.9935%) હોવી આંતરરાષ્ટ્રીય ધોરણે ફરજિયાત છે. વ્યવહારમાં તેને 99.99% પ્યોર કોપર માનવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે શું જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગકારો જે ભંગાર ખરીદી રહ્યા છે તે આ શુદ્ધતાનો છે? જવાબ છે – ના. પીતળનો ભંગાર એ સામાન્ય રીતે મિશ્ર ધાતુનો કચરો (Scrap) છે. કચરા સમાન ભંગારના ભાવ નક્કી કરવા માટે ૯૯.૯૯% શુદ્ધ વર્જિન મેટલના ભાવને બેન્ચમાર્ક બનાવવો એ કોઈ પણ રીતે તર્કસંગત નથી.

દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જામનગરનું બ્રાસ ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબરે હોવા છતાં, અહીંના એસોસિએશનના હોદ્દેદારોમાં આટલી સામાન્ય ‘કોમન સેન્સ’ નો અભાવ જોવા મળે છે. શું તેઓ નથી જાણતા કે ભંગાર અને LME ગ્રેડના કોપર વચ્ચે જમીન-આસમાનનો ફરક છે? આ અજ્ઞાનતા છે કે પછી કોઈ સુનિયોજિત કાવતરું? લંડનની LME ના ભાવ જોઈને જામનગરના લોકલ ભંગારના ભાવમાં ઉતાર-ચઢાવ કરવા એ નાના ઉદ્યોગકારોના ગળે ટૂંપો દેવા સમાન છે. આ બોગસ B2B ના ટેલીગ્રામ ચેનલના સટ્ટાખોરોને આવી સત્તા કોણે આપી કે તેઓ બેફામ ચાલાકીથી ઉદ્યોગકારોના જીવ અધ્ધરતાલ કરી શકે?

આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય બ્રાસ ઉદ્યોગ એસોસિયેશનના પ્રમુખ અને હોદ્દેદારોની ભૂમિકા શંકાના દાયરામાં છે. વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે કે શું નેતૃત્વમાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ‘અભણબુદ્ધિ’ ધરાવે છે કે પછી ટેક્નિકલ જાણકારીનો અભાવ છે? જો કે, કેટલાક પીઢ વેપારીઓનું માનવું છે કે આ અજ્ઞાનતા નથી પણ ઈરાદાપૂર્વકની ‘ચાલબાજી’ છે. નાના ઉદ્યોગકારોને ખાડામાં ધકેલી દઈ, તેમને દેવાદાર બનાવીને બજારમાંથી ફેંકી દેવા અને ત્યારબાદ પોતાના જ ભંગારના વ્યવસાયને મોનોપોલી દ્વારા આસમાને પહોંચાડવાનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર હોઈ શકે છે.

સટ્ટાખોરીની આ રમત કેટલી હદે વિકરાળ બની છે તેનું જીવંત ઉદાહરણ છેલ્લા બે મહિનાના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. ટેલિગ્રામ પર ધમધમતી આ કહેવાતી ‘B2B’ ચેનલો પર આજથી માત્ર ૬૦ દિવસ પહેલાં સ્ટાન્ડર્ડ ગણાતા ‘યુકે હની’ (UK Honey) બ્રાસનો ભાવ એક કિલો ના રૂ. 610 ની આસપાસ હતો. પરંતુ સટ્ટાખોરોએ કૃત્રિમ ઉઠાપટક અને અફવાઓનું એવું બજાર ગરમ કર્યું કે જોતજોતામાં, માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં, આ ભાવ 744 સુધી ખેંચી જવામાં આવ્યો છે. કોઈ પણ જાતની વાસ્તવિક માંગ કે પુરવઠાના આધાર વિના, રાતોરાત બોલાતી આ સટાસટીમાં ભાવ આસમાને પહોંચી જાય છે અને માલના સાચા ધણી કે સામાન્ય વેપારીને તો સવારે જાગે ત્યારે ખબર પડે છે કે બજારમાં શું ખેલ ખેલાઈ ગયો છે.

જામનગરના ઉદ્યોગ વર્તુળોમાં હવે ધીમે-ધીમે ગણગણાટ શરૂ થયો છે અને ચર્ચાના ચક્રો તેજ બન્યા છે કે આ બેફામ ગાડું આખરે કોના ઈશારે દોડી રહ્યું છે? શું આ માત્ર મુઠ્ઠીભર વ્યાપારીઓની ચાલાકી છે કે પછી તેની પાછળ કોઈ મોટા ગજાના રાજકારણનો હાથ છે? સામાન્ય સંજોગોમાં એસોસિએશન કે તંત્ર જે રીતે આ લૂંટ સામે આંખ આડા કાન કરી રહ્યું છે, તે જોતા ઉદ્યોગકારોને શંકા જઈ રહી છે કે કોઈક અદ્રશ્ય ‘સત્તા’ આ સટ્ટાખોરોને પ્રોટેક્શન પૂરું પાડી રહી છે. સટ્ટાખોરો માટે તો અત્યારે ‘મોજ એ મોજ’ જેવી સ્થિતિ છે, કારણ કે તેમને કોઈ રોકનાર કે ટોકનાર નથી.

ઉદ્યોગકારોએ હવે ચેતવાની જરૂર છે, કારણ કે માર્કેટ ડેટા અનુસાર હજુ કોપરના ભાવમાં મોટી ઉથલ-પાથલ સોના-ચાંદીની માફક શરૂ થવા જઈ રહી છે. જ્યારે કોપરમાં આવી વોલેટિલિટી આવશે ત્યારે પિત્તળ બજારની શું હાલત થશે? જો આવી પરિસ્થિતિમાં ઉદ્યોગ પાસે ‘હેજિંગ’ જેવું સુરક્ષા કવચ નહીં હોય અને માત્ર ટેલિગ્રામના સટ્ટાનો આધાર હશે, તો નાના ઉદ્યોગકારોનો મરણતોલ નક્કી છે. માત્ર અમુક મુઠ્ઠીભર લોકો પોતાની મનમાની ચલાવીને આખા શહેરના અર્થતંત્રને બાનમાં લઈ રહ્યા છે. જ્યારે નેતૃત્વ જ ભક્ષક બની જાય, ત્યારે રક્ષણની આશા કોની પાસે રાખવી?

અંતમાં, જામનગરના બ્રાસ ઉદ્યોગને બચાવવા માટે હવે જાગૃત થવાનો સમય પાકી ગયો છે. વેપારીઓ આ મામલે અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે અને હવે માંગ ઉઠી રહી છે કે એસોસિએશન આ સટ્ટા આધારિત ટેલિગ્રામ ચેનલના શટર વહેલી તકે બંધ કરાવી દેવા જોઈએ અને ભંગારના ભાવ નિર્ધારણ માટે એક પારદર્શક મિકેનિઝમ અથવા MCX જેવું પ્લેટફોર્મ લાવવું અનિવાર્ય છે. જો આમ નહીં થાય, તો એ દિવસો દૂર નથી જ્યારે ‘બ્રાસ સિટી’ માત્ર ઈતિહાસના પાનાઓ પર રહી જશે અને જામનગરની સાચી ઓળખ સમાન હજારો નાના કારખાનાઓ કાયમ માટે તાળા મારી દેશે.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles