જો જો..ભૂલી ન જતા,”વર્તમાન સત્તાધીશોએ મનપાની મિજબાની કરી ઉદ્યોગકારોને ડરાવી ધમકાવી ધુત્કારી કારખાનાઓ સીલિંગ કરાવ્યા, કરોડો રૂપિયા ખંખેર્યા” -ઉદ્યોગિક હિતકારી પેનલના સણસણતા આક્ષેપ
શું જે મહાનગરપાલિકાએ પાંચ વર્ષમાં એક પણ સુવિધા નથી આપી, તેની સામે નતમસ્તક થઈને ઉદ્યોગકારોના કરોડો રૂપિયાનો વરસાદ કરાવવો એ જ એસોસિએશનનું કામ હતું?
“નોટિફાઈડ એરિયા”ને બદલે ગુપ્ત MoU કરી ઉદ્યોગકારો પર ટેક્સ લાદ્યો; દિલ્હી સુધી લડત આપવાને બદલે ફાલતુ કામો ગણાવી ભોજન સમારંભોથી મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ, વર્તમાન પેનલની નિષ્ફળતાના કારણે જ ચૂંટણી અનિવાર્ય બની હોવાનો ‘ત્રિશૂલ’ પેનલનો દાવો.
જામનગરની દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની આગામી ૨૦૨૫ થી ૨૦૨૮ના સત્ર માટેની કારોબારી સમિતિની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ બંને પક્ષો વચ્ચેનો ચૂંટણી પ્રચાર વધુને વધુ આક્રમક બની રહ્યો છે, જેમાં હવે ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ દ્વારા વર્તમાન સત્તાધારી ‘પ્રગતિશીલ પેનલ’ પર અત્યંત ગંભીર અને વિસ્ફોટક આક્ષેપો કરવામાં આવતા સમગ્ર ઉદ્યોગનગરમાં ખળભળાટ મચી ગયો છે.

‘ઉદ્યોગિક હિતકારી પેનલ’, જેનું ચૂંટણી પ્રતીક “ત્રિશૂલ” છે, તેણે એક નિવેદનમાં વર્તમાન સત્તાધીશોની ભૂમિકા પર સણસણતા સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, દરેડના ઉદ્યોગકારોને એ વાત ભૂલવી ન જોઈએ કે આ જ સત્તાધીશોએ જીઆઈડીસીમાં મિલકત વેરા ભરેલા હોવા છતાં, ઉદ્યોગકારોના હિતોને નેવે મૂકી, જામનગર મહાનગરપાલિકાની મિજબાની કરીને ઉદ્યોગકારોને ધુત્કારવાની અને તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેરવાની ગંદી ભૂમિકા ભજવી હતી. ઉદ્યોગિક હિતકારી પેનલે વર્તમાન શાસકોની કાર્યશૈલીની ટીકા કરતા કહ્યું કે, શું એસોસિએશનનું કામ માત્ર ઉદ્યોગનગરમાં સાવરણા મારી કચરો સાફ કરવો, પાણીના ખાડા ભરવા, પાણીની લાઈનો નાખવી, ડમ્પિંગ પોઈન્ટની ગંદકી સાફ કરવી, પીજીવીસીએલની નોટિસોનો પ્રચાર કરવો, આધાર કાર્ડ કેન્દ્ર ખોલાવવા, બ્લડ ડોનેશન કેમ્પ કે આરોગ્ય કેમ્પ કરવા પૂરતું જ સીમિત છે? જો કોમન પ્લોટમાં વૃક્ષારોપણ અને વરસાદી પાણીના ભૂગર્ભ રિચાર્જ જેવા કામો જ એસોસિએશન કરશે, તો પછી જેની સાથે કરોડો રૂપિયાના ટેક્સ માટે MoU કરવામાં આવ્યું છે તે મહાનગરપાલિકા શું કરશે?
ગઈકાલે યોજાયેલી ચૂંટણીલક્ષી સભામાં વર્તમાન સત્તાધારી પેનલે આવા ફાલતુ અને સામાન્ય કામો ગણાવીને ઉદ્યોગકારોનું મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો અને ભોજનની લાલચ આપી મત મેળવી ફરી ત્રણ વર્ષ માટે પોતાની મનમાની ચલાવવા અને વાહવાહી લૂંટવા માઈક પર મોટા નિવેદનો આપ્યા. પરંતુ હવે દરેડ વસાહતનો કોઈ કારખાનેદાર બુદ્ધિહીન નથી, કારણ કે ઉદ્યોગકારો સમજી ગયા છે કે આ નાની-મોટી કામગીરી બતાવીને અમારા જ દ્વારા ચૂંટાયેલા સત્તાધીશોએ અમને અંધારામાં રાખીને મહાનગરપાલિકા સાથે MoU કરી નાખ્યું અને વસાહતના નાના-મોટા તમામ ઉદ્યોગકારોને માથે રાતોરાત કરોડો રૂપિયાના ટેક્સનો લૂંટનો ચાંદલો કરી દીધો. એક પૈસાની સુવિધા આપ્યા વગર, ઉપરથી કાયદાનું ભાસણ આપી રહ્યા છે કે ‘એ તો એલા ભાઈ, ભરવા જ પડે’. શું જે મહાનગરપાલિકાએ પાંચ વર્ષમાં એક પણ સુવિધા નથી આપી, તેની સામે નતમસ્તક થઈને ઉદ્યોગકારોના કરોડો રૂપિયાનો વરસાદ કરાવવો એ જ એસોસિએશનનું કામ હતું?
ઉદ્યોગિક હિતકારી પેનલે વર્તમાન પ્રગતિશીલ પેનલના ઉમેદવારોને પડકાર ફેંકતા કહ્યું કે, “જો તમારામાં તાકાત હોત, તો તમે સમગ્ર ઉદ્યોગકારોને એક સંગઠન બનાવી આ મુદ્દે સરકાર અને દિલ્હીમાં પ્રધાનમંત્રી સુધી લડત આપી શક્યા હોત, પરંતુ તમે આવું કર્યું નહીં, જેનો અર્થ ઉદ્યોગકારો સારી રીતે જાણે છે કે તમે કેવા પ્રકારનો અંગત લાભ મેળવવા માંગો છો.” હિતકારી પેનલે સ્પષ્ટપણે જણાવ્યું કે મહાનગરપાલિકા સાથે MoU કરવા સિવાય બીજો મજબૂત વિકલ્પ આ વિસ્તારને ‘નોટિફાઈડ એરિયા’ જાહેર કરાવવાનો હતો, જેનાથી ઉદ્યોગકારો આ ડબલ ટેક્સના ભારણમાંથી સંપૂર્ણપણે બચી શક્યા હોત.
આ ઉપરાંત સ્થાનિક રાજકીય નેતાઓને સાથે રાખી પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવી અને અંતે આ મુદ્દાને અદાલતમાં પડકારવાનો પણ રસ્તો ખુલ્લો હતો.ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર વર્તમાન પેનલ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને તેમની નિષ્ફળતાને કારણે જ ઉદ્યોગકારોમાં બે ફાંટા પડ્યા અને આખરે ચૂંટણી યોજવાની ફરજ પડી. ‘ઉદ્યોગકારોનું હિત અને વિકાસ એ જ લક્ષ્ય’ના સૂત્ર સાથે ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ હવે મેદાનમાં છે અને તેમને વિશ્વાસ છે કે જાગૃત ઉદ્યોગકારો આ વખતે પરિવર્તન લાવીને જ રહેશે.


