spot_img

જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું રાજ્યવ્યાપી મહાકૌભાંડ: SGST વિભાગે CA અલ્કેશ પેઢડીયા દ્વારા સંચાલિત ₹560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ, ₹112 કરોડની ટેક્સ ચોરીથી ખળભળાટ

: રાજ્યના ૨૫ સ્થળોએ દરોડા, ૧૪ બોગસ પેઢીઓ ઊભી કરી માલની હેરાફેરી વિના કરોડોની ITC પાસઓન કરવાનું કાવતરું, ₹૩૬ કરોડની સંપત્તિ ટાંચમાં, મુખ્ય સૂત્રધાર CA દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક આઉટ સર્ક્યુલર જાહેર

ગુજરાત રાજ્યના અર્થતંત્રને હચમચાવી દેનારા એક અત્યંત મોટા અને સુનિયોજિત કૌભાંડનો પર્દાફાશ કરતા, રાજ્ય માલ અને સેવા કર (SGST) વિભાગે જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અલ્કેશ પેઢડીયા દ્વારા સંચાલિત ₹૫૬૦ કરોડના વિશાળ બોગસ બિલિંગ રેકેટને ખુલ્લું પાડ્યું છે, જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ₹૧૧૨ કરોડથી વધુની માતબર કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. SGST વિભાગને મળેલી ચોક્કસ બાતમી અને લાંબા સમયથી ચાલી રહેલી ડિજિટલ દેખરેખના આધારે, તારીખ ૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યની વિવિધ GST કચેરીઓની બનેલી કુલ ૨૭ ટીમો દ્વારા ગુજરાતભરમાં ૨૫ જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનાતા CA અલ્કેશ પેઢડીયાની જામનગર સ્થિત CA ફર્મ ‘BRAHM Associates’ ની ઓફિસ તેમજ તેના નિવાસસ્થાન સહિત અન્ય સંકળાયેલા સ્થળોનો સમાવેશ થતો હતો. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી અત્યાર સુધીની સઘન તપાસમાં બહાર આવ્યું છે કે, આ રેકેટ હેઠળ કુલ ૧૪ બોગસ પેઢીઓ (Non-Genuine Taxpayer – NGTP) ઊભી કરવામાં આવી હતી, જેનું એકમાત્ર કામ માલસામાનની કોઈપણ પ્રકારની ભૌતિક હેરફેર કર્યા વિના માત્ર કાગળ પર બિલો બનાવીને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનું હતું. તપાસ દરમિયાન સંડોવાયેલી પેઢીઓના માલિકોના નિવેદનો પરથી સ્પષ્ટ થયું છે કે આ સમગ્ર નેટવર્કનું સંચાલન CA અલ્કેશ પેઢડીયા દ્વારા જ કરવામાં આવતું હતું.

વધુ ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક કિસ્સાઓમાં, અલ્કેશ પેઢડીયાએ GST Compliance Services પૂરી પાડવાના બહાને પોતાના અસીલ એવા વાસ્તવિક કરદાતાઓનો વિશ્વાસ જીતી, તેમના GSTIN ક્રેડેન્શિયલ્સનો દુરુપયોગ કરી તેમના નામે પણ બોગસ વ્યવહારો કર્યા હતા. આ છેતરપિંડીનો ભોગ બનેલા કરદાતાઓએ વિભાગ સમક્ષ જણાવ્યું છે કે તેમની સાથે થયેલા વિશ્વાસઘાત બદલ તેઓ મુખ્ય આરોપી CA વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. દરોડા દરમિયાન, અધિકારીઓએ ઘટનાસ્થળો પરથી મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, કોમ્પ્યુટર્સ અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ જપ્ત કર્યા છે, જેમાંથી ખોટા ઇન્વોઇસ અને નાણાકીય ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યા છે.

પ્રાથમિક ડેટા વિશ્લેષણમાં વિવિધ બેંક ખાતાઓ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોના અનેક સ્તરો જોવા મળ્યા છે, જે એક અત્યંત જટિલ અને ગૂંચવણભર્યા ફંડ ડાયવર્ઝન મિકેનિઝમ તરફ ઈશારો કરે છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરકારી આવકને સુરક્ષિત કરવા માટે વિભાગે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે, જેના ભાગરૂપે ગેરકાયદેસર રીતે મેળવાયેલી ₹૪.૬૨ કરોડની ITC બ્લોક કરી દેવામાં આવી છે અને વિવિધ બેંક ખાતાઓ ફ્રીઝ કરીને ₹૧ કરોડથી વધુની રકમ સુરક્ષિત કરવામાં આવી છે. આ ઉપરાંત, આશરે ₹૩૬ કરોડની કિંમતની સ્થાવર અને જંગમ મિલકતો પર તાત્કાલિક અસરથી ટાંચ મૂકવામાં આવી છે.

જોકે, કેટલીક સંડોવાયેલી પેઢીઓએ પોતાની ભૂલ સ્વીકારીને લાગુ પડતા વ્યાજ અને દંડ સાથે વેરાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરવાની બાંહેધરી પણ આપી છે. આ સમગ્ર મામલે, અનેક સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં, મુખ્ય આરોપી CA અલ્કેશ પેઢડીયા તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો નથી અને હાલ ફરાર છે. તે દેશ છોડીને ભાગી ન જાય તે માટે તેના વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો છે અને તેને કાયદાના દાયરામાં લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત SGST વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ બોગસ ઇન્વોઇસિંગ અને ખોટા ITC દાવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે “ઝીરો-ટોલરન્સ” નીતિ ધરાવે છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને સંસ્થાઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles