ગલ્ફ વોરની આગમાં ભડથું થતો જામનગરનો બ્રાસ ઉદ્યોગ: ૮૦ ટકા એકમોને લાગ્યા તાળાં

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની માઠી અસર: ગેસ અને કાચા માલની (ભંગાર) અછતને પગલે ૪૫૦થી વધુ ફોર્જિંગ યુનિટો બંધ, ઉદ્યોગપતિઓની કલેક્ટર અને પુરવઠા તંત્ર સાથે ઈમરજન્સી બેઠક

(વિશેષ અહેવાલ: દિપક ઠુંમર)

જામનગર:વિશ્વના નકશા પર ‘બ્રાસ સિટી’ (પિત્તળ નગરી) તરીકે પોતાની આગવી અને સુવર્ણ ઓળખ ઊભી કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ હાલમાં એક અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યો છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ અને યુદ્ધના ભણકારાએ હજારો કિલોમીટર દૂર બેઠેલા જામનગરના ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ કરી દીધી છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ અશાંતિની સીધી અને અત્યંત માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી છે, જેના કારણે ઔદ્યોગિક વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો છે.

787344

છેલ્લા ૨૦ દિવસથી યુકે, અમેરિકા, ગલ્ફના દેશોમાંથી આવતો કાચો માલ, એક્સપોર્ટ માટેના ઓર્ડર અને મેન્યુફેક્ચરિંગમાં અત્યંત જરૂરી એવા ઇન્ડસ્ટ્રીયલ ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. વિદેશી સપ્લાય ચેઇન તૂટી પડતા જામનગરના બ્રાસ ઉદ્યોગને ઓક્સિજન મળતો બંધ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને ગેસ આધારિત શેલિંગ અને એક્સટ્રુઝન પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગકારોને આ વૈશ્વિક યુદ્ધે કમરતોડ ફટકો માર્યો છે અને ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી ગયો છે.

787341

જામનગરના દરેડ ઉદ્યોગ નગરની જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પાંભરે આ ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, કાચા માલના અભાવે અને ગેસની તીવ્ર અછતના કારણે જામનગરનો ૮૦ ટકા બ્રાસ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે અને કારખાનાઓને તાળા લાગી ગયા છે. હજારો મજૂરો અને ઉદ્યોગકારોની આજીવિકા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

787345

આ કટોકટી વચ્ચે, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ઉદ્યોગકારોની વાસ્તવિક પરિસ્થિતિ અને ગેસ સિલિન્ડરોની અછતનો તાગ મેળવવા માટે વિગતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતને પગલે એસોસિએશને પોતાના લેટરપેડ પર તમામ ઉદ્યોગકારોને સત્તાવાર જાણ કરી હતી અને બંધ પડેલા યુનિટોનો ડેટા એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ સર્વેના પરિણામો અત્યંત ચોંકાવનારા અને ઉદ્યોગની વાસ્તવિક પીડા દર્શાવનારા હતા.માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં જ ૪૫૦ થી વધુ કારખાનેદારોએ ફોર્મ ભરીને ડેટા મોકલી આપ્યો હતો. આ ડેટા અનુસાર, માત્ર આ ૪૫૦ ફોર્જિંગ યુનિટોને જ ચાલુ રાખવા માટે ૧૩,૦૯૮ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તાતી જરૂરિયાત હોવાનું સામે આવ્યું હતું. ગેસના અભાવે આ ૪૫૦ થી વધુ કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જે દર્શાવે છે કે ઊર્જા અને ઇંધણ વગર એશિયાનો સૌથી મોટો બ્રાસ ઉદ્યોગ કેટલો લાચાર બની ગયો છે.

609235

આ સંકટ માત્ર ગેસ પૂરતું સીમિત નથી, પરંતુ કાચા માલ (બ્રાસના ભંગાર) નું ગણિત પણ ખોરવાયું છે. વિષ્ણુભાઈએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર બ્રાસ ઉદ્યોગને ધમધમતો રાખવા માટે દર મહિને કુલ ૧૩,૦૦૦ ટન બ્રાસના ભંગારની આવશ્યકતા રહે છે. જેમાંથી ૧૦,૦૦૦ ટનથી વધુ ભંગાર ગલ્ફ અને અન્ય વિદેશી માર્કેટમાંથી આયાત કરવો પડે છે, જ્યારે બાકીનો માત્ર ૩૦ ટકા (આશરે ૩,૦૦૦ ટન) ભંગાર ભારત દેશના સ્થાનિક બજારોમાંથી મેળવવામાં આવે છે.પરંતુ, યુદ્ધની સ્થિતિના કારણે છેલ્લા ૧૫-૨૦ દિવસથી વિદેશી ભંગારની આયાત પર સંપૂર્ણ બ્રેક લાગી ગઈ છે.

787374

બંદર પર માલ આવતો બંધ થતા, ઉદ્યોગ પાસે હવે માત્ર સ્થાનિક ૩૦ ટકા ખરીદી પર નિર્ભર રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ જ કારણ છે કે હાલમાં જામનગરમાં માત્ર ૨૦ ટકા જેટલા ઉદ્યોગકારો જ મહદઅંશે કાર્યરત રહી શક્યા છે, જ્યારે ૮૦ ટકા યુનિટોએ ફરજિયાતપણે પોતાના મશીનો બંધ કરી દેવા પડ્યા છે.કાર્યરત રહેલા ૨૦ ટકા નાના કારખાનેદારોની સ્થિતિ પણ સુખદ નથી. મોટા વિદેશી એક્સપોર્ટના ઓર્ડરો સદંતર બંધ થઈ ગયા છે અથવા તો રદ થઈ રહ્યા છે. પરિણામે, કારખાનેદારો માત્ર નાના-સૂના લોકલ ઓર્ડર પર જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહ્યા છે.

બીજી તરફ, માલની શોર્ટેજ ઉભી થતા ભંગાર બજારમાં ભાવ રૂ.740ના આસમાને પહોંચી ગયા છે. ભાવોમાં આટલો મોટો ઉછાળો જોઇને ઉદ્યોગકારો ઊંચા ભાવે કાચો માલ ખરીદતા પણ ડરી રહ્યા છે, કેમ કે તૈયાર માલ ક્યારે અને કયા ભાવે વેચાશે તેની કોઈ જ ખાતરી નથી.આ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા અને ઉદ્યોગને બચાવવા માટે જામનગરના બ્રાસ ઉદ્યોગના ત્રણેય મુખ્ય એસોસિએશનો એક મંચ પર આવ્યા છે.

787342

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા અને જામનગર દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પાંભરના સંયુક્ત નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર સાથે એક તાકીદની અને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ઉદ્યોગકારોએ ગેસ અને કાચા માલની અછત અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, તંત્ર દ્વારા બ્રાસ ઉદ્યોગની વાજબી જરૂરિયાતોને સત્વરે પૂરી કરવા માટેના સકારાત્મક પગલાં લેવાની અને પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસોની ખાતરી આપવામાં આવી છે. જો કે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધના વાદળો વિખેરાશે નહીં, ત્યાં સુધી જામનગરના બ્રાસ ઉદ્યોગ પર છવાયેલું આ શટડાઉનનું સંકટ ટળવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles