શુ આપણે ‘બેવકૂફ’ છીએ કે પછી આપણું ‘પ્લાનિંગ’ જ પાંગળું છે?વિશ્વમાં અનાજના ઉત્પાદનમાં ડંકો વગાડતું ભારત, ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પડોશી ગરીબ રાષ્ટ્રો કરતાં પણ પાછળ છે. ખેતરથી કોઠાર સુધીની સફરમાં સડતી વ્યવસ્થા અને કરદાતાના પૈસે વેડફાતો અબજોનો ધુમાડો – એક ગંભીર વિશ્લેષણ.
(વિશેષ અહેવાલ:દિપક ઠુંમર)
એક પ્રજા તરીકે, એક શાસન વ્યવસ્થા તરીકે આપણે આપણી જાતનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? જો આપણે એમ લખીએ કે ‘આપણે બેવકૂફ છીએ’, તો કદાચ કોઈની લાગણી દુભાઈ જાય. બીજી તરફ, જો આપણે એમ સ્વીકારીએ કે ‘આપણી પાસે કોઈ નક્કર પ્લાનિંગ નથી’, તો શાસક પક્ષને એમ લાગે કે આ સીધેસીધી સરકારની ટીકા છે. પરંતુ સત્ય એ બંનેની વચ્ચે ક્યાંક અટવાઈ ગયું છે. વાસ્તવિકતા એ છે કે આપણી પાસે સંસાધનો છે પણ દ્રષ્ટિનો અભાવ છે, આપણી પાસે અનાજ છે પણ તેને સાચવવાની દાનત કે આવડત નથી.

આ અસમંજસની સ્થિતિમાં આખરે ભોગવવું તો સામાન્ય નાગરિકે જ પડે છે.આપણે આપણી અક્ષમતા સ્વીકારવા તૈયાર નથી. જો આપણે લખીએ કે ‘આપણે સક્ષમ નથી’, તો શાસનકર્તાઓ શરમાઈ જાય છે. અને જો એમ કહીએ કે ‘આપણા ઈરાદાઓ શુદ્ધ નથી’, તો ઘણાને પેટમાં ચૂક ઉપડે છે. પરંતુ આંકડાઓ ક્યારેય જૂઠું નથી બોલતા. લોકશાહીમાં આત્મનિરીક્ષણ કરવું એ ગુનો નથી, પરંતુ આવશ્યકતા છે. જ્યારે ગોદામોમાં અનાજ સડતું હોય અને બાળક ભૂખ્યું સૂતું હોય, ત્યારે માત્ર શબ્દોની રમત રમવાને બદલે વાસ્તવિકતાના અરીસામાં જોવું અનિવાર્ય બની જાય છે. આપણે આત્મશ્લાઘામાંથી બહાર નીકળીને જમીની હકીકત સ્વીકારવી પડશે.લોકસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડાઓ એક ભયાવહ ચિત્ર રજૂ કરે છે. દેશમાં ૫ વર્ષથી નાના જે માસૂમ ભૂલકાંઓ છે, તે પૈકી ૨૬ ટકાથી વધુ બાળકો કુપોષિત છે. આ માત્ર આંકડો નથી, પણ આવતીકાલના ભારતનું ધૂંધળું ભવિષ્ય છે. જે દેશમાં અનાજના ભંડારો ઉભરાતા હોય, ત્યાં ચોથા ભાગના બાળકોને પૂરતું પોષણ ન મળે તે સ્થિતિ કોઈપણ સંવેદનશીલ સમાજ માટે શરમજનક છે. કુપોષણ માત્ર ભૂખનો વિષય નથી, પણ તે રાષ્ટ્રની ઉત્પાદકતા અને વિકાસ પર લાગેલું ગ્રહણ છે.
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’નો એક અહેવાલ આપણી વૈશ્વિક છબી પર ગંભીર સવાલો ઉભા કરે છે. ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ (વૈશ્વિક ભૂખમરા સૂચકાંક)માં ભારતનું સ્થાન ક્યાં છે? આપણે બાંગ્લાદેશ અને ઈથિયોપિયા જેવા આર્થિક રીતે નબળા ગણાતા રાષ્ટ્રો કરતાં પણ ક્યાંય નીચેના ક્રમે છીએ. આ રેન્કિંગ સાબિત કરે છે કે માત્ર ‘ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમી’ની વાતો કરવાથી પેટ નથી ભરાતું. જ્યાં સુધી છેવાડાના માનવી સુધી અન્નનો દાણો નહીં પહોંચે ત્યાં સુધી મહાસત્તા બનવાના સપના અધૂરા જ રહેશે.આ સ્થિતિની સૌથી મોટી વિડંબના એ છે કે આપણી પાસે ઉત્પાદનની કોઈ કમી નથી. ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત ઈન્ટરનેશનલ પોર્ટલ ‘ધ ઈન્ટરપ્રિટર’ નોંધે છે તેમ, ભારત બાજરાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને ઘઉં તથા ચોખાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.
આપણી ધરતી સોનું પકવે છે, આપણા ખેડૂતો રાત-દિવસ મહેનત કરે છે. કુદરતે આપણને છુટ્ટા હાથે આપ્યું છે, પરંતુ આપણી વિતરણ વ્યવસ્થા અને સંગ્રહ ક્ષમતાએ કુદરતની આ ભેટનું અપમાન કર્યું છે.‘OpIndia’ના અહેવાલ મુજબ, ભારત વર્ષે ૩,૧૦૦ લાખ ટન અનાજનું ઉત્પાદન કરે છે. આ આંકડો ગર્વ લેવા જેવો છે, પરંતુ તેની પાછળનું કડવું સત્ય એ છે કે આ ઉત્પાદન પૈકી ૫૩ ટકા જથ્થો સાચવવા માટે આપણી પાસે પાકા ગોદામો જ નથી. અડધોઅડધ અનાજ ભગવાન ભરોસે છે. આયોજનના અભાવે ઉત્પાદનનો અર્થ સરતો નથી. જ્યારે ઉત્પાદન વધે ત્યારે તેની સાથે સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ, તે સામાન્ય બુદ્ધિનો વિષય છે જેનો અહીં સ્પષ્ટ અભાવ દેખાય છે.આપણું શાસન ખુલ્લા આકાશ નીચે લાખો ટન અનાજનો સંગ્રહ કરે છે. ‘કેપ કવર’ (CAP – Cover and Plinth) પદ્ધતિના નામે અનાજને ધૂળ, તડકો અને વરસાદ ખાવા માટે છોડી દેવામાં આવે છે. અસંખ્ય કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે આ અનાજના જથ્થાને ઢાંકવા માટે ઉપર, નીચે કે આજુબાજુ તાલપત્રી (Tarpaulin) પણ ઉપલબ્ધ હોતી નથી. પરિણામે, ખેડૂતનો પરસેવો અને દેશની સંપત્તિ ખુલ્લામાં વેડફાય છે.
આ માત્ર બેદરકારી નથી, પણ રાષ્ટ્રીય અપરાધ છે.જ્યારે અનાજ ખુલ્લામાં રહે છે ત્યારે તેમાં ભેજ લાગે છે અને ફૂગ (Fungus) વળી જાય છે. આ પ્રક્રિયા માત્ર અનાજની ગુણવત્તા જ ડાઉન નથી કરતી, પરંતુ આવું અનાજ ખાવાથી કેન્સર અને લિવરને લગતા ભયંકર રોગો પણ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટેશનમાં થતો અક્ષમ્ય વિલંબ અને જાળવણીનો અભાવ લાખો ટન અનાજમાં જિવાત પાડી દે છે. જે અનાજ ગરીબના પેટમાં જવું જોઈતું હતું, તે કચરાપેટીમાં અથવા ખાતર તરીકે વપરાય છે. આ સ્વાસ્થ્ય સાથેના ચેડાં છે.આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, આપણે વાર્ષિક અંદાજે ૧,૨૮,૪૦૦ કરોડ રૂપિયાનું અનાજ માત્ર યોગ્ય વ્યવસ્થાપનના અભાવે બગાડી નાખીએ છીએ. આ રકમથી દેશમાં કેટલીય શાળાઓ અને હોસ્પિટલો બની શકતી હતી. આ ઉપરાંત, લગ્નપ્રસંગો, હોટેલો, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને ઢાબાઓ પર તૈયાર અન્નનો જે બગાડ થાય છે તેનો આંકડો તો આમાં ગણ્યો જ નથી. અન્નનો બગાડ એ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે, છતાં આપણે આ આધુનિક બગાડના મૂક સાક્ષી બની રહ્યા છીએ.સરકાર એક તરફ મફત અનાજ આપે છે અને બીજી તરફ તે બજારમાં પહોંચી જાય છે. આપણે વર્ષે ૨,૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું અનાજ ગરીબોને મફત આપીએ છીએ.
‘ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન’ (ICRIER) જેવી સંસ્થાઓના રિપોર્ટ દર્શાવે છે કે આ અનાજનો મોટો જથ્થો રાશનની દુકાનો મારફતે બારોબાર કાળાબજારમાં વેચાઈ જાય છે. ભ્રષ્ટાચારની ઉધઈ આખી વ્યવસ્થાને કોરી ખાઈ રહી છે.આ કૌભાંડમાં માત્ર દુકાનદારો જ નહીં, પણ સાચા-ખોટા રાશનકાર્ડધારકો પણ સામેલ છે. મફત મળેલું અનાજ તેઓ પોતે ખાવાને બદલે ખુલ્લા બજારમાં વેચીને રોકડી કરી લે છે. પરિણામ શું આવે છે? દર વર્ષે લાખો ટન અનાજ સરકારી ચોપડેથી ‘ભૂત’ થઈ જાય છે. એક તરફ અનાજ સડે છે અથવા નિકાસ થઈ જાય છે, જેના કારણે ખુલ્લા બજારમાં કૃત્રિમ અછત ઉભી થાય છે. અંતે, પ્રમાણિક કરદાતા નાગરિકોએ વર્ષ આખું મોંઘા ભાવે અનાજ ખરીદવું પડે છે.આ સમગ્ર ગેરવહીવટનો બોજ મધ્યમવર્ગ પર આવે છે.
શાસનની તિજોરીમાંથી અબજો રૂપિયાનું જે અનાજ સડી ગયું કે કાળાબજારમાં ગયું, તે તમામ નુકસાન પ્રમાણિક કરદાતાઓના પરસેવાની કમાણી છે. ઉદાહરણ તરીકે, માત્ર એક રાજ્ય મધ્યપ્રદેશનો જ ગત વર્ષનો આંકડો ચોંકાવનારો છે – ત્યાં ૯ લાખ ટન અનાજ સડી ગયું! અને કરુણતા જુઓ, આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અત્યારે કેન્દ્ર સરકારમાં કૃષિમંત્રી તરીકે બિરાજમાન છે. જે વ્યક્તિ રાજ્યમાં અનાજ ન સાચવી શકી, તે દેશનું કૃષિ કલ્યાણ કેવી રીતે કરશે?વર્ષ ૨૦૨૩માં તત્કાલીન કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી હતી કે, ભારતે રૂ. ૧,૦૦,૦૦૦ કરોડના ખર્ચે સહકારી ક્ષેત્રની ‘વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજના’ બનાવી છે. દાવો એવો હતો કે દેશના દરેક જિલ્લામાં ૨,૦૦૦ ટન અનાજનો સંગ્રહ થઈ શકે તેવા ગોદામ બનશે. આજે આપણે ૨૦૨૬માં ઉભા છીએ. હવે સવાલ તમારે તમારી જાતને અને તંત્રને પૂછવાનો છે: “શું તમારા જિલ્લામાં આવું કોઈ ગોદામ બની ગયું છે?” કે પછી એ યોજના પણ સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે, જેમ ગોદામ વિનાનું અનાજ સડી રહ્યું છે?


